Saturday, March 24, 2012

14 humans killed in leopard attack in Gir

24-032012
14 humans killed in leopard attack in Gir
Divya Bhaskar
http://www.divyabhaskar.co.in/article/SAU-gir-leopard-attack-on-human-3010582.html

ગીરમાં દીપડાનો કહેર : ૧૪ માનવીઓનાં શિકાર


૩૫ માનવીઓ ઉપર જીવલેણ હુમલા કર્યા : પ્રજાતીનાં રહેઠાણ-ખોરાક-કદમાં થઇ રહેલા ફેરફારો ભયજનક

ગીર જંગલ પથરાયેલા વિસ્તારની આસપાસનાં ગ્રામ્ય પંથકોનાં ખેતરો-શેરડીનાં પાકમાં મોત બની ફરતા હિંસક વન્યપ્રાણી દીપડાઓએ ચાલુ વર્ષ દરમ્યાન ૧૪ માનવીઓનાં શિકાર કરી માનવ શરીર ફાડીને ખાઇ ગયેલ જ્યારે ૩૫ જેટલા માનવીઓ ઉપર દીપડાઓએ જીવલેણ હુમલા કર્યા જેમાં ઘણાં લોકોનો મોતનાં મુખમાંથી બચાવ થઇ શક્યો છે. દીપડા પ્રજાતીની સતત વધી રહેલી સંખ્યા સાથે દીપડાઓના રહેઠાણ-ખોરાક અને શારિરીક સ્થિતીમાં જબરો ફેરફાર જોવા મળી રહ્યો હોય જે વનવિભાગ સાથે જંગલ સમપિના ગ્રામ્ય વિસ્તારનાં લોકો માટે ચિંતાનજક અને મુશ્કેલીરૂપ સ્થિતી બની રહી છે.

ગીર જંગલનાં ગીર પશ્ચિમ-ગીરપૂર્વ અને જુનાગઢ ક્ષેત્રીય વન વિસ્તારવાળા જંગલ સમીપનાં ગ્રામ્ય પંથકોનાં ખેતરોમાં દીપડાઓ મોત બની ઘુમી રહ્યાં છે.

ગીર પૂર્વનાં ડી.એફ.ઓ. અંશુમન શર્માનાં જણાવ્યા પ્રમાણે વનવિભાગનાં આ વિસ્તાર હેઠળનાં સાવરકુંડલા તાલુકાનાં જાંબુડા અને મોટાજીંજુડા સરસીયા રેન્જનાં ભારડ અને ઊના તાલુકાનાં ખાપટ ગામમાં દીપડાઓએ ચાર માનવનાં મોત કર્યા છે. અને ૨૩ જેટલા બનાવો દીપડાએ માનવીઓ ઉપર કરેલા હુમલાનાં છે. ગીર પશ્ચિમનાં ડી.એફ.ઓ. ડૉ. રમેશકુમારે જણાવેલ કે, આ વિસ્તાર હેઠળમાં તાલાલા તાલુકાનાં ગુંદરણ(ગીર) અને સેમરવાવ મેંદરડાતાલુકાનાં નાજાપુર કોડીનાર તાલુકાનાં નાની ઈંચવડ અને સુગાળા ગામમાં મળી દીપડાઓએ કુલ પાંચ માનવીઓનાં મોત કર્યા છે.

અને આઠ જેટલા માનવીઓ ઉપર જીવલેણ હુમલા કર્યા છે. જ્યારે જુનાગઢ ક્ષેત્રીય વન વિસ્તાર હેઠળનાં વેરાવળ-સુત્રાપાડા તાલુકાનાં ગ્રામ્ય વિસ્તારો સવની, ઇણાજ, ઇંટીયા સહિતનાં અન્ય બે ગામોમાં દીપડાઓએ પાંચ માનવીઓનાં શિકાર કરી મારી નાખ્યા છે અને ચાર માનવીઓ ઉપર હુલા કર્યા હોવાની વિગતો ડી.એફ.ઓ અનુરાધા શાહુએ આપેલ. દીપડાનાં માનવીઓ ઉપર હુમલાનાં બનાવોમાં થઇ રહેલો વધારો અને દીપડાઓમાં વધતી હિંસકતાથી દીપડા માનવીઓનાં શિકાર કરી મોત રૂપી બની ગયા છે. આ સ્થિતિ પાછળ દીપડાની વધી રહેલ સંખ્યા દીપડાનાં રહેઠાણ-ખોરાક અને શારીરિક કદ સાથે આક્રમકતામાં થઇ રહેલા ફેરફારો ચિંતાજનક બની ગયા છે.

લેબર-વિભાગ, વન-વિભાગ- રેવન્યુ- પોલીસ સાથે મળી કામ કરે

દીપડાઓથી થતાં માનવીઓનાં મોત અટકાવવા વનવિભાગને દીપડાનાં ત્રાસને પહોંચી વળવા વધુ સાધનો-વાહનો સરકાર પુરા પાડે ગીર અને આસપાસમાં મજુરી માટે આવતા પરપ્રાંતીય મજુરોને લઇ આવનારા ખેડૂતો મજુરોને રહેવા-ખોરાકની યોગ્ય સુરક્ષીત વ્યવસ્થા પુરી પાડે છે કે કેમ ? તે અંગે લેબર વિભાગ યોગ્ય કાર્યવાહી કરાવે બહારથી આવતા મજુરોની સંખ્યા કેટલી છે તેની વિગતો ખેડૂતોએ મહેસુલ વિભાગ અને ઓળખ પ્રુફ પોલીસ વિભાગને પુરા પાડે જેથી પરપ્રાંતીય શ્રમિકો દ્વારા આચરાતી ગુનાખોરી અટકાવી શકાય અને હિંસક વન્ય પ્રાણીઓથી પરપ્રાંતીય મજુરોનાં મોત અટકાવી શકાય.

દીપડાનો ત્રાસ ઓછો કે બંધ કરવા શું કરવું પડે ?

દીપડાઓનો ત્રાસ એ પ્રમાણે વધવા લાગ્યો છે કે રોજબરોજ દીપડાની રંજાડનાં સમાચાર વનવિભાગને મળે છે. દીપડાની વધતી સંખ્યા નિયંત્રણમાં લેવા દીપડા પ્રજાતીની 'નસબંધી' કરી તેમની આબાદી અટકાવી શકાય તેમજ માનવીઓ ઉપર હુમલાનાં બનાવો ઉપર નજર કરીએ તો શેરડીનાં ખેતરોમાં કામ કરવા આવતા પરપ્રાંતીય મજુર પરિવારોનાં બાળકો જ સૌથી વધુ દીપડાનો ભોગ બન્યા છે. હુમલામાં ઘવાયેલા માનવીઓમાં પણ પરપ્રાંતીય મજુર પરિવારોનો સમાવેશ થાય છે.

આવું થવા પાછળની બાબતમાં દીપડા જંગલી પ્રાણી છે તેને કાંઇ સમજ હોતી નથી કે આ જંગલ છે કે માનવ વસાહત પરંતુ ગ્રામ્ય પંથકનાં ખેતરોમાં શેરડી કટાઇનું કામ કરવા પરપ્રાંતમાંથી મજુરો લઇ આવતા ખેડૂતો પોતાનાં ખેતરોમાં મજુરોને રહેવા માટે મકાન-લાઇટ જેવી પ્રાથમિક સુવિધા પણ ઉપલબ્ધ ન કરાવતા હોય ખુલ્લા ખેતરોમાં ઝુપડામાં રહેતા મજુરો પરિવારો ઉપર દીપડા મોત બનીને ત્રાટકે અને બાળકોને આસાનીથી ઉપાડીને ભાગી જાય છે. આ સ્થિતિ માટે જવાબદાર કોણ ? તે આ બાબતો સમજી ખેડૂતો મજુરો માટે રહેવા કામચલાઉ મકાનોની વ્યવસ્થા કરે તો પણ હિંસક પ્રાણીઓથી થતાં માનવ મૃત્યને મોટાભાગે અટકાવી શકાય.

દીપડા માનવીઓ નજીક રહેવા ટેવાઇ ગયા છે

દીપડા જંગલ વિસ્તારને બદલે મોટાભાગે ગ્રામ્ય પંથકનાં ખેતરો-શેરડીનાં વાડ, આંબાના બગીચા સીમમાં પડતર મકાનોમાં રહેવા લાગ્યા છે કે જ્યાં સમયાંતરે માનવીઓની અવર-જવર રહેતી હોય છે. દીપડા પ્રજાતીમાં થતા ફેરફારમાં મુખ્ય દીપડાઓ માનવીથી ડરવાનાં બદલે સામે હુમલા કરે છે.

માનવ વસાહત આસપાસ નાના પ્રાણીઓ ભુંડ-કુતરા-ઘેંટા-બકરા જેવો સહેલો શિકાર મળી જયો હોય છે. તૃણભત્રી પ્રાણીઓનાં બદલે માનવી આસપાસ રહેતા પાલતુ પ્રાણીઓનો ખોરાક ખાઇ દીપડાઓનાં કદમાં પણ ફેરફાર જોવા મળી રહ્યો છે. ગ્રામ્ય પંથકોમાં ફરતા દીપડા કદાવર અને વધુ હિંસક જણાય છે. અને આ દીપડાઓ પરિસ્થિતિ મુજબ પોતાને ઢાળી લે છે જેથી તે માનવ વસાહત આસપાસ રહેવાનાં આદી બની ગયા છે.

No comments:

Previous Posts