Saturday, March 24, 2012

Prist fires on forest department staff

24-03-2012
Prist fires on forest department staff
Divya Bhaskar
http://www.divyabhaskar.co.in/article/SAU-firing-on-forest-officers-3010633.html

વનકર્મીઓ પર સાધુએ કર્યું ફાયરિંગ

સરખડીયા હનુમાનની જગ્યામાં માપણી કરવા ગયેલા વનકર્મીઓ કામગીરી શરૂ કરે એ પહેલાંજ ભડાકો

મહંત સહિતનાં ત્રણ સાધુ સામે ફરજમાં રૂકાવટ, હુમલાની ફરિયાદ


ગિરનારનાં જંગલમાં આવેલી ધાર્મિક જગ્યાઓ ખાતે માકીઁગની માપણી કરવા ગયેલી વનવિભાગની ટીમ કામગીરી શરૂ કરે એ પહેલાંજ સરકડીયાની જગ્યાનાં એક સાધુએ ફાયરિંગ કરતાં આખી ટુકડી કામગીરી શરૂ કરે એ પહેલાંજ પરત ફરી હતી. અને આ અંગે સાધુની સામે ભેંસાણ પોલીસમાં ફરજમાં રૂકાવટ અને હુમલો કર્યાની ફરિયાદ નોંધાવી હતી.

પ્રાપ્તવીગતો મુજબ, ગિરનાર અભયારણ્ય બન્યા બાદ વખતોવખત તેમાં આવેલી ધાર્મિક જગ્યાઓનાં સેટલમેન્ટની માપણી કરવામાં આવે છે. જો તેમાં દબાણ કે પેશકદમી કરાઇ હોય તો તેની પણ નોંધ તેમાં થતી હોય છે.

આ કામગીરી અંતર્ગત આજે ઉત્તર ડુંગર રેન્જનાં રાઉન્ડ ફોરેસ્ટર રાવલીયા, સ્ટાફનાં રામભાઇ બોરખતરીયા, સંજય ગાૈસ્વામી, બી. યુ. ડાકી અને વનવિભાગનાં જ બે સર્વેયરો સવારે માળવેલા અને ત્યારબાદ સરકડીયાની જગ્યાએ ગયા હતા. વનકર્મચારીઓની ટીમ જીપમાંથી ઉતરી પોતાની પાસેનાં નકશાઓ તપાસતા હતા. અને વનવિભાગનું માકિઁંગ વગેરે ક્યાં છે તેનું નિરીક્ષણ કરતા હતા. એ વખતે જગ્યાનાં મહંત રામદાસજી અને અન્ય ત્રણ વ્યક્તિઓ ત્યાં ધસી આવ્યા હતા. રામદાસબાપુ પાસે ૧૨ બોરની બંદૂક હતી. વનકર્મચારીઓ સાથે તેઓએ ઉગ્ર બોલાચાલી કરી હતી.

તેવામાં વનકર્મચારીઓને બેફામ ગાળો ભાંડી રહેલા એક સાધુએ મહંત રામદાસજી પાસેથી બંદૂક ઝૂંટવી લીધી હતી. અને વનકર્મચારીઓ કાંઇ સમજે એ પહેલાં તેમાંથી હવામાં ફાયર કર્યો હતો. બંદૂકની નાળ વનકર્મચારીઓની સીધમાં ન હોવાથી સદભાગ્યે કોઇને ઇજા નહોતી પહોંચી.

પરંતુ બંદૂકનો ભડાકો થતાં તમામ કર્મચારીઓ પાછી જીપમાં બેસી જઇ ત્યાંથી માપણી કર્યા વિનાજ પરત આવતા રહ્યા હતા. પરત આવ્યા બાદ બનાવ અંગે આર.એફ.ઓ. પી. ટી. કનેરિયાને જાણ કરી હતી. બનાવની જાણ થતાં આર.એફ.ઓ. કનેરિયા સરકડિયા હનુમાનની જગ્યા ખાતે દોડી ગયા હતા.

બાદમાં આ મામલે ભેંસાણ પોલીસમાં ફરિયાદ નોંધાવવા તેમણે સુચના આપી હતી. આથી રાઉન્ડ ફોરેસ્ટર રાવલીયા અન્ય સ્ટાફને લઇને ભેંસાણ પોલીસ મથકે પહોંચ્યા હતા અને ફાયરિંગ કરનાર ગિરબિાપુ, મહંત રામદાસજી સહિતનાં લોકો સામે ફાયરિંગ કરી અને ફરજમાં રૂકાવટ કર્યાની ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરી હતી.

સરકડિયા બાદ સુરજકુંડ જવાના હતા

સરકડિયાની જગ્યાએ માપણી કર્યા બાદ વનવિભાગની ટીમ સુરજકુંડની જગ્યા ખાતે પણ જવાની હોવાનું જાણવા મળ્યું છે. જોકે, સરકડિયાથી પરત ફર્યા બાદ તેઓ ત્યાં પણ ગયા નહોતા.

મહંત પાસેથી બંદૂક છીનવીને ભડાકો કર્યો

વનકર્મીઓની કામગીરી પહેલાં ઉશ્કેરાયેલા સાધુએ મહંત પાસેથી બંદૂક રીતસરની ઝૂંટવી લીધી હતી અને ફાયરિંગ કર્યું હતું. જોકે, બંદૂક નિશાન લીધા વિના ફકત ડરાવવા માટે ફાયરિંગ કર્યું હોય કે ગમે તેમ પણ નાળચું તેમણે હવામાં રાખ્યું હોઇ કોઇ દુર્ઘટના ઘટી નહોતી.

સેટલમેન્ટને લઇને અનેક રજૂઆતો

સરકડિયાની જગ્યા તેમજ ઇંટવાની જગ્યામાં જતા માલસામાન અને રાશન લઇ જતા વાહનોને રોકવા અંગે અનેક રજૂઆતો જગ્યાનાં અનુયાયીઓ તેમજ મહંત દ્વારા અગાઉ કલેક્ટર સમક્ષ કરાઇ હતી. જેમાં સેટલમેન્ટમાં આ જગ્યાએ જવા આવવાનો હક્ક હોવાનું પણ જણાવાયું છે.

No comments:

Previous Posts