Sunday, March 03, 2013

Leopard at Visavadar!! See full story in thrilling pictures….

02-03-2013
Leopard at Visavadar!! See full story in thrilling pictures….
Divya Bhaskar
http://www.divyabhaskar.co.in/article/SAU-RJK-c-120-266563-NORTEST.html?seq=1&OF15

વિસાવદરનાં ધારી રોડ પર આવેલા એક રહેણાંક મકાનમાં આજે સવારનાં દીપડો ઘૂસી ગયા બાદ વન વિભાગની રેસ્કયુ ટીમ ૬ કલાકની જહેમત બાદ તેને બેભાન કરી શકી હતી. આ દીપડાને જોવા લોકોનાં ટોળેટોળાં ઉમટી પડ્યા હતા. વિસાવદરનાં ધારી બાયપાસ રોડ પરની સરદારનગર સોસાયટીમાં આજે સવારનાં સાત વાગ્યાની આસપાસ આવી ચઢેલા દીપડાને એક મહિલા જોઇ જતાં તેણે પાડોશીઓને જાણ કરી હતી.

બાદમાં આ દીપડાએ પંચવટી એપાર્ટમેન્ટમાં પ્રવેશ કરી પિયાવાવાળા સુભાષભાઇ ગોંડલીયાનાં નવા બનતા મકાનમાં ઘૂસી ગયેલ.  સુભાષભાઇ, ભાવેશ ધકાણ સહિતનાં ચાર વ્યક્તિ જોવા જતાં તેમની તરફ દોટ મૂકી હતી. પરંતુ જાળીમાં દીપડાનો પગ ફસાઇ જતાં ચારેય હુમલાનો ભોગ બનતાં બચી ગયા હતા. આ સમયે ડરનાં માર્યા અમો અગાશીની દિવાલો કેમ ટપી ગયા એનીજ ખબર ન રહી એમ તેઓએ જણાવ્યું હતું.(તસવીર: વિપુલ લાલાણી, વિસાવદર)

આ અંગે વન વિભાગને જાણ કરાતાં એસીએફ ઠુંમર, આરએફઓ એન. એમ. જાડેજાએ સ્ટાફ સાથે દોડી આવી પ્રથમ પાંજરામાં બકરાનું મારણ મૂકી તેને પકડવાની કોશિષ કરી હતી. પરંતુ તેમાં કામયાબી ન મળતાં જૂનાગઢ ડીએફઓ ડૉ. કે. રમેશને વાકેફ કરી સાસણની ટ્રેકર્સ ટીમને બોલાવી હતી. નિરીક્ષણ કર્યા બાદ રૂમ અને અગાશીની પાછળનાં ભાગનાં દરવાજાઓ પેક કરી  ૬ કલાકનાં રેસ્કયુ ઓપરેશન બાદ દીપડાને ઇન્જેકશન મારી બેભાન કરી શકાયો હતો.

- મોટો દરવાજો બનાવી રૂમને પેક કરાયો

પાછળનાં દરવાજા બંધ કરવાની કામગીરી ચાલુ હતી ત્યારે દીપડાએ ભડકીને આગળનાં દરવાજા પર દોટ મૂકી રોડ પર આવવાની કોશિષ કરી હતી. પરંતુ લાકડીઓ જમીન પર ફટકારી અને હાકલા પડકારા કરી રૂમની અંદર તગડી મૂકાયો હતો. બાદમાં બે મોટા પ્લાઇવુડ મંગાવી તેને જોડી મોટો દરવાજો બનાવી સાવચેતી પૂર્વક ફીટ કરી રૂમને બંધ કરાયો હતો.

- દિવાલમાં બે કાણાં પાડી ઇન્જેકશન મરાયું

દરવાજામાં પાડેલા હોલમાંથી નજર નાંખતાં દીપડો જોવા ન મળતાં રેસ્કયુ ટીમ મુંઝાઇ હતી. બાદમાં દિવાલમાં બે કાણાં પાડી રૂમમાં અંધારૂં હોવાથી વાયરસાથેનાં બલ્બને અંદર નાંખી અજવાળું કરી ડૉ. સોલંકીએ ટ્રાન્કવીલાઇઝર બંદૂક વડે ઇન્જેકશન મારી તેને બેભાન બનાવી પાંજરામાં પૂરી સાસણ એનીમલ કેર સેન્ટર ખાતે લઇ જવાયો હતો.

- મહિલા ફોરેસ્ટરની કામગીરી દિલધડક

જે મકાનમાં દીપડો છુપાયો હતો ત્યાં કોઇને પણ જતાં ડર લાગે. પરંતુ સાસણ ટ્રેકર્સ ટીમનાં ફોરેસ્ટર રસીલાબેન વાઢેરને હિંમતપૂર્વકની રેસ્કયુ કામગીરી કરતાં નિહાળી સૌ કોઇ સ્તબ્ધ થયા હતાં.

- ટોળાને કાબુમાં લેવા પોલીસની પ્રશંસનીય કામગીરી

દીપડાને જોવા લોકોનાં ટોળાં ઉમટી પડ્યા હતા. આસપાસની અગાશીઓમાં પણ લોકો ચઢી ગયા હતા. આ સમયે વનવિભાગની મદદે ખુદ પીઆઇ વી. એન. પટેલ, પીએસઆઇ જાડેજા અને પોલીસ કાફલાએ આવી ટોળાંને સંયમિત રાખવાની પ્રશંસનીય કામગીરી કરી હતી.

- હાઇસ્કૂલમાંથી પ્રથમ ગલુડિયાંને ઉપાડ્યું

શહેરની મધ્યમાં આવેલ પાલિકા હાઇસ્કુલ નજીક કિશોરભાઇ રીબડીયાનાં મકાન પાસેથી સવારે ૬:૩૦ વાગ્યે દીપડાએ ગલુડિયાંને ઉપાડ્યું હતું. વિદ્યાર્થીઓએ પણ બસ સ્ટેન્ડ પાસેનાં બગીચામાં તેને જોયો હતો. અને કાબરાનાં વોંકળામાંથી પસાર થઇ સરદારનગરમાં ઘૂસી આવેલ.

No comments:

Previous Posts